23 - કોરા કાગળના ધોળાને પડકાર માની / દિલીપ ઝવેરી


કોરા કાગળના ધોળાને પડકાર માની
ઊછળી પડે અનેક
કલમમાં બારૂદની જેમ શાહી ઠાંસીને
જીતેગા ભાઈ જીતેગા
અને હારી જાય તો પણ
કાગળનું કેટલું બધું ભાંગી તોડી બાળી અર્થહીન કરીને

પણ જેને મૂંગા રહેવા સિવાય કાંઈ આવડતું નથી
તેને તો હાર-જીત એકસરખાં નસીબ

જેણે જાતને વશ કરી છે
તે મનોમન કાગળને ધોળો જ રાખી
કાગળના કોરાપણા પર છવાઈ જાય છે

વિરલ હોય છે પડકારથી પર
કાળા ધોળાથી પર
કાગળ છે કે નહીં એનાથી પર

પણ એમનાથી ય પર હોય છે
અભેદને જાણનાર
પોતાને જ કાગળ જાણનાર
કવિતા
*
સાહચર્ય વાર્ષિકી : ૨૦૧૬


0 comments


Leave comment