24 - કંઈ પણ યાદ ન રહે ત્યારે કાગળ કોરો / દિલીપ ઝવેરી
કંઈ પણ યાદ ન રહે ત્યારે કાગળ કોરો
કપાવું છોલાવું પીસાવું પલળીને લચકો થવું
તોતિંગ પૈડાં હેઠળ પીલાવું
શ્વાસ ન લઈ શકાય એમ વીંઝાતા વાયરામાં સૂકાવું
ગોળ ગોળ વીંટળાઈ વળી ફરી કપાવું
મરોડદાર અક્ષરોનાં
જતનથી ભેગાં કરેલાં સપનાં
બારીમાંથી દેખાતું વાદળ તડકભર્યું આકાશ
એક કળીમાં સમેટી ઝીણું ગાતી ડાંખળીથી ભર્યું ભર્યું કૂંડું
એક જ લયનાં વિવિધ આવર્તન
આવી કોઈ કવિતા લખનારને
ક્યારે ય જાણ થશે
કે કાગળ કોરો નથી રહ્યો?
કચરાપેટીમાં પડ્યાં પડ્યાં
હવે એને બધું ય સાંભરે છે.
*
'સાહચર્ય' વાર્ષિકી : ૨૦૧૬
0 comments
Leave comment