25 - સમેસૂતર કવિતા / દિલીપ ઝવેરી


સમેસૂતર કવિતામાં
જોડાયા વગરના તાંતણા
આમ તો ન વરતાય
પણ એને પહેરી અરીસા સામે ઊભેલા
કવિની ચામડી બહેરી ન હોય તો ખૂચે ખરા

ઝાકળ લૂછ્યું એમ લખનારને
ઝીણી પારદર્શી કૂણી હતી ન હતીને માટે
પાસાદાર તીણું કઠણ મળ્યું નહીં
એટલે પ્રવાહી લખ્યું
ઉછીનું ચોરેલું અને તો ય વણખપતું
આંસુ સાથે ભળી જતું
અને પછી વિવશ લાગણી લૂછાય કેમ?

ધારેલું લખવું પણ અઘરું છે
અને એથી ય અઘરું પોતે જે ધાર્યું એની કવિતા કરવાનું
પોતાનું બધું ઉતારી અણધાર્યા તરંગોમાં ફેલાઈ જતાં
કવિને કંઈ હાથવગું ન રહે
અવાજ પછી અવાજ થઈને
અને એને જ મનગમતું અદ્ભુત માનીને પોતે જ તાળીઓ પાડે

ત્યારે સમજ પડે છે
કે મોઢામાં કલમ ભરી મૂંગો ખડિયો
આતુર કાગળને કેવો દબાવી રાખી
કિલ્લો ભીડી
એકે ય અક્ષરને ભીતર આવવા નથી દેતો
અને જો કોઈ આફળો ધસી આવે
તો કાગળ પર અવળો રેલાઈ જાય છે
ક્યાં ય કોરું ન રહે તેમ
*
‘સાહચર્ય' વાર્ષિકી : ૨૦૧૬’


0 comments


Leave comment