14 - ગામ ઉજ્જડ તેં કર્યા છે ઢોલ વગડાવા અલ્યા / ચિનુ મોદી


ગામ ઉજ્જડ તેં કર્યા છે ઢોલ વગડાવા અલ્યા,
ઓ નિશાચર મન, દિવસટાણું છે, ઝંપી જા અલ્યા !

હાથ પથ્થરના થયા ને તોય સમજાયું નહીં,
પંખીના દેખાય પડછાયા ને કરતો ઘા અલ્યા .

લાગણી ખાલી કરેને ઘર, નદીની જેમ તો
તપ કરીને તુંય ઊભો રહે ને પર્વત થા અલ્યા .

આંસુઓને પણ ભરોસો ઊઠતો ચાલ્યો હતો
એક પરપોટે પ્રવેશી પગ કર્યા પ્હોળા અલ્યા .

પકવ બનતાં જો પડે તો રંજ ક્યાં ‘ઇર્શાદ’ને ?
સાવ ક્યાં તેં ઊતરડયા કૈંક પડછાયા અલ્યા.


0 comments


Leave comment