27 - તડકાને પાંખ ફૂટે ને પતંગિયું થઈ નાચે / દિલીપ ઝવેરી


તડકાને પાંખ ફૂટે ને પતંગિયું થઈ નાચે
એમ કવિતા શબ્દને ઉડાડે ને પછવાડે હવા બનીને ધાય

હવા ઉછાંછળી વળગે ને ફૂલ ઊંડેથી ઊછળ મઘમઘ ઝરે
એમ કવિતા જીભને ચૂમે ને વાચાળ વહેતી કરે

વહેતા પાણીને ભોંય સાદ કરે ને લીલું ઓઢતી થાય
એમ કવિતા કાળા અક્ષર કાગળમાં વાવી કણસલાં લણવા પંખી તેડાવે

પંખી ટહુકે ને સાંકડી શેરીમાં અઢળક અજવાળાં પથરાય
એમ કવિતા પાતળી રેખ દોરતી ચાંદો ચીતરી આંખને આકાશ કરે

આકાશ સંતાકૂકડી રમવા આવે ને બારી બની જાય
બારીએ બેસું કવિતા કરવાને કવિતા મને લખાવે ને કવિતા મને લખે
ને કવિતા મને લખ્યાબારો કરે
ને એક એક તારામાંથી ડોકિયું કરતી અમાસના અંધારે ઓગળી જાય

‘નવનીત સમર્પણ', ઓક્ટોબર ૨૦૦૩


0 comments


Leave comment