28 - પાણીની જેમ ઊગે છે / દિલીપ ઝવેરી


પાણીની જેમ ઊગે છે
આ દેહનાં પોલાણોમાં રાતી આગ થઈ ભડકતા લોહીમાં
મૂળિયાં ફેલાવી
પાંદડી જેમ બીડેલી પાંપણો વચ્ચે ઊઘડી ઉભરાય છે
પારદર્શક-લીલાં ખેતરોમાં વહી આવતા વાકમોકળા વાયરાની જેમ
પડઘા રેલાવવા અવાજ થઈને ઊછળતા સમુદ્રને કણકણમાં છાતીએ વળગાડી
ખડકાળ સાથળો હેઠ લસરી જતી રેતીના થબકારાની જેમ
બદામી ટેકરીઓ પર થથરતે હોઠ કાંપતા કામાતુર તડકાની જેમ,
એક એક ટીપું જેમ વરસાદ થવા જાય
પળ પળ જેમ સમય
સળવળાટ જેમ ગર્ભ
તેમ ખળભળાટ કરતા અક્ષર
શબ્દો થઈ ઊપજવા છલકાય છે
ત્યારે બેબાકળા ગળી પડનારા કવિને
સાન કરે છે
કવિતા
પાણી થઈ જતા કાગળ પર
પાણી જેમ અંકાતી શાહીની
પાણીદાર લિપિમાં પોતાનું ઓગળતું નામ ભૂંસીને
પાણીમાં ઊંડા મૂળિયાં રોપી વીજળીવત ઊગતા લોહીની જેવી સાચોસાચ
જાતને ઉગાડવાને.
*
'પરબ', નવેમ્બર ૨૦૧૩


0 comments


Leave comment