29 - અભણ બાળની તોતડી કાલી બોલીમાં / દિલીપ ઝવેરી


અભણ બાળની તોતડી કાલી બોલીમાં
અને મોકળા સરળ તાલમાં
અનાયાસ તાળીના પ્રાસમાં
જે હરખે હરખે આરંભાઈ
તે કવિતા નહીં
પણ એની જણેતા ભાષા
જેણે ભાખી રાખેલ
જે એના પેટમાં બીજ પણ નથી
એનું અડાબીડ અપરિમેય અવશ્ય અરણ્ય

કવિતા જન્મ્યા પહેલાં જ
જે-તેના ગજા બહારની જણસ
ગેલમાં આવી કોઈ ગલગલિયાં કરવા જાય
તો ગૂંચળે વળી જાય
ખંજવાળ છાંટતા કાનખજૂરાની જેમ

શોરીલા સરઘસના તોરમાં તરબતર કોઈ
અકારણ ડંગોરાયટ આંગળીથી
આકરણ કરે તો પડકારે
ગોળ ફરતાં શૂળિયાં પસારીને શાહુડીની જેમ

ડગલે પગલે અક્ષર સૂંઘતી સૂંઘતી
મહાલતી જાય એવી વાઘણ કવિતા
વ્યાકરણ વરુના જડબે ફસાયલા
ખરગોશી હરફને
પંજાના એક ફટકારે બેધડક આઝાદ કરી
આવારા દડબડી જવા દે
પછી ચળક શિંગડે સજેલા
તારા ચાંદ સોન ટપકાળા કેડ પાતળા
વાયરાનેય લજાવે એવા વળાંક વેગાળા
ચરણતંગ
હરણનો
તરંગવત પીછો કરી
હોડમાં પોતાનીય હાંફળી ફાળને જોડી
ઊછળી ઊઠે
અને શબ્દકુરંગનાં લટકાં લય લહેકા
એક તરાપમાં ઝડપી પછી
હરણ વાઘણ વાઘણ હરણ વરણઘરણ
કનકશામળ કાગળકલગ કાનન
કાનમાં મર્મરી જતું
કાલીઘેલી બોલીમાં
સનાતન સંગીતભર્યું
કાળાતીત પ્રાચીન અરણ્ય
જેને જિવાડે
એમાં જીવતી.
એને પાંદડે પાંદડે પ્રાસ જોડતી.
પવને પવને શ્વાસ છોડતી
પળે પળે રૂપ બદલાતી શાશ્વત અણજન્મ અનાયાસ
કવિતા
*
‘નવનીત સમર્પણ', નવેમ્બર ૨૦૦૭


0 comments


Leave comment