32 - હાથમાં ખડિયો ઝાલી કવિતા પૂછે : તૈયાર ? / દિલીપ ઝવેરી


હાથમાં ખડિયો ઝાલી કવિતા પૂછેઃ ‘તૈયાર ?’
કલમને લમણે લગાડી કવિ કહેઃ ‘સલામ !’
‘તો યાદ કર' ‘વસંત ઋતુ'
‘રદ કર યાદ કર' ‘સવારનો તડકો’
‘રદ કર યાદ કર' ‘સાંજની ઉદાસી’
‘એક વાર હજી’ ‘માનો ખોળો’
‘ખડિયો ઢોળી દઉં એ પહેલાં...’ ‘કાળા રેશમની કીકીઓ’
‘વળી પાછું એ જ ? રદ રદ રદ’ ‘ટૂંકો દિવસ દરદની લાંબી કતાર’
‘રહે ઊભો ત્યાં જ. તારો વારો રદ’ ‘સામસામા અરીસામાં કોણ?’
‘તો આ શાહી, મોઢે ખરડી જો એને જ ભૂલી જા મને ‘સાંભર્યું સાંભર્યું ગહન અંધકાર તેજના પુંજ નિહારિકાઓ બ્રહ્માંડો
‘દઈ દે કાગળ પાછો’ ‘માફ કરજો ભૂલ થઈ માફ કરજો’
‘ભૂલી જા દયા આવી છેલવેલું યાદ કર’
‘સપનાં નામ વગરના ડર અણજાણી આશા
વણજોયું ખોવાનું
શ્વાસમાં સમાય નહીં તે ઘેલો ઉલ્લાસ
આંસુમાં ઓગળે નહીં એવો અતડો વિષાદ
અદીઠ ભોમકાના કોલ ડૂબેલા વહાણના સાદ
ક્ષણિકમાં સનાતનનો ખળભળાટ
સકળના આલિંગનમાં અણુથીય ઓછી જાત’

‘અણી વિનાના બુઠ્ઠલ
અવગતે ગયેલા કેટલાય
ઘાસપાનઝાડના જીવ
ટળવળે છે આ કાગળમાં
જાણ છે?
આવડશે શાહીના ટીપેટીપે એમનો ઉદ્ધાર કરવાનો?
ડફોળ
રદ કર આ બધું
અને એક ચકરાવો ફરી આવું છું ત્યાં સુધીમાં યાદ કર’

આ તે કેવી નાકમોઢું દાબી ગળે ટૂંપે દેતી જોહુકમી?
આ તે કેવી ભૂંડાઈ જ્યાં મારું સકળ સાચ ફોક?
આ તે કેવી જણ્યા પહેલાં જ મને ભરખી જાય છે?
માણસ માણસને ખાઈ જાય તેમ.
નમાયા નબાપા જેને કોઈ ભાઈ નહીં દાણોભર રાઈ નહીં એનો સથવારો કવિ.

ઢોરથીયે ભૂંડે હાલ સદીઓથી જીવતી રહી છે આ જાત. અરે બાંદીગોલાંનેય ભોડું ઉઠાવી મોઢું ઉઘાડવા મળે પણ આને તો જીભ જ વાઢી લેવી છે. કાંટાળા તારની પછવાડે ધુમાડા ગોળી કે ભાલાથી કે ફાંસડે ટીંગાડી કે તલવારથી વેતરી નાંખ્યા પહેલાં મરનારને છેવટના બે બોલનો હક તો જલ્લાદ પણ આપે. નહીં તો પછી, એ એકને બદલે હજારોલાખોકરોડોની રાડ સદીઓ સુધી ઝંઝાવાત બની અને વળી એક કવિની બેપાંચ લીટીમાંય અજરામર થઈને ગાંડા સમુદ્રના ઘોંઘાટિયાં મોજાંના ઊછળાટમાં વેગેથી તાણી જતા જાદુઈ બેટના સંગીતથી ભાન ભૂલેલાને દીવાદાંડીની જેમ ચેતવતી આમ તો ભલેને એકલવો હોય માણસ પણ એક અભણ ભોળા રાંક મજૂર માણસના પરસેવાના ટીપે ટીપે જેમ રેતીના એક એક કણથી તેમ એક પુલ બંધાતો જાય છે લવચીક અને બરડ જે દેશ દિશાને હલાવી દેતા દરિયાઈ દાનવના ગઢ સોંસરવો પોગાડે જ્યાં બાંધેલી કુંવરીને છોડાવવા પોતાની શંખ જેવી ડોક ફુલાવી ગાજતો ગુંજતો સાત સાત ચકરાવા લેતો લસરી પડીને વેરીના જડબામાં કૂણા ફૂલની ડાંખળી જેવો સાત સાત તાડ છોલતાં બુઠ્ઠા થયેલા અને બાર બેધારી પરશુનાં બાકોરાં સોંસરવો નીસરેલા નાડું બાંધેલા ભાલા અને પૂંઠાના ટોપા સમેત ફસાય પણ ઈ થાક અને મીઠાના ભૂલી જવાના સ્વાદની સાથોસાથ આંસુ અને પરસેવામાં પીગળી જતા પોતાના અલૂણા નમને ઊંચકી વીણી લેવાનું હલેસું તો ગાડી દીધું હોય ઊંડા ખાડામાં તોય હથિયાર મેલી હેઠે ગરકતા પૈડાને છોડવવા માટે માથું કપાવી દે શૂરવીર ધડ કરીને નવ દહાડા લડતું રાખેંગારનું રડવડતું ધડને નવ દહાડા રોજ ગઢની ફરતે ઘોડાઘસડેલું ખૂંટા હેક્ટરનું ધડ અને રોજ રોજ અંધારિયા હુમ્બાબા દૈતને હરાવનારા સૂરજને જવાનજોધ રાતોચોળ રાખવા ધગધગતાં લોહી ઓકતું છાતી ચીરીને ઉખેડેલું ધધકતું હૃદય અને ડટંતરનું નાચતી કાળીના મરડાની માળથી ઉતારી ડપોટામાં ઠસી ખેતરના ખૂણા ખોદી દાટેલાં મુંડાં માથે ધજાગરા ખોંપી

આવ રે વરસાદ
મારા ખળ ખડકવા ધાન
દૂધ ભરવા મારી ઘરવાળીના થાન
મારી રગરગમાં સાથળમાં સવળે રાન
આ ઢોચકામાં ખળભળતા આથણને ઢીંચી ઓતરાદી ઊતરતી ટાઢ ને ઊગમણેથી
ઊભરતી રાતને ભેટે ભડભડતા ભડાકા ને ફડફડતા પડછાયાના હિલોળને સાદ દેતા ઢોલ
અરે ઓ કવિતા – પૂરો થયો કે નહીં તારો ચકરાવો ?

પડતો મેલ તારો ઠાઠઠસ્સો ને ઊતર હેઠી
હવે પોગાડું તને તારા ઉગમના ઠેકાણે
ફળિયામાં રડવડતા ઠળિયામાં આટી રાખ્યાં છે ટાટ દાબીને
તારાં રૂપ તારાં લખ્ખણ તારાં નખરાં તારા અભરખા
તારાં લોહી પીનારાં આંતરડાંના અમળાટ
જેમ નદીના ઉઘાડા પટને દેખી ગળી પડે પરવતે પોગેલ વાદળ
ને જેમ ઊગતો તડકો દેખતાંવેંત
ખુલ્લે સાથળ ગદબચાસટિયે મહેકતી ભોંય ભીનાશથી પલળી જાય એમ
હવે કાગળનો ફરકાટ સાંભળતાં ટપકી પડે કલમથી શાહી –
મરણની નોંધના લબડપન્ના પૂંઠાફાટ ચોપડા પર રેલો થઈને
બધા ડાઘ ઢાંકી વહેતી આવે ટીપે ટપકે
જનમનોંધની કડકકોરી વહી માથે અવનવા આકાર ચીતરવા

અર્રી એય્ય કવિતા, નથી નાચવાનો તારે ઈશારે તારા હુકમના હજૂરિયો થઈને
હવે ફરિયાદ કરીને લખવું નથી પણ યાદ રહે એવું લખવું છે
હવે તું યાદ કર યાદ કર
યાદ કર કાગળ પર કલમ શું લખશે
ગોચરથી પાછી ફરતી ગાયે અધરસ્તે
ધરવભેર થોભી ધૂળમાં ધફકેલું ઊનું છાણ.
મૂતરવાની તકલીફથી અકળાઈને
ડોસાએ ઘોઘરે ગળેથી થૂંકેલી ગાળ.
ગલગલિયાંથી રાજી મુઠ્ઠી ઉલાળી બેઉ હાથે હસી પડતા
બાળની આંખે ફેલાતા ચળકાટની ભેળાભેળ
હોઠની કોરેથી દૂધનો ઘચરકો.
કબૂતર હેઠળ દબાયેલી પારેવડીના ફફડાટથી
ઊઠીને આવેલું ઝીણું પીંછું.
ખંડેરની બારીના કટાયલા સળિયે ઠોકેલા
કાઠની ફાટમાંથી ડોકાતી પાંદડીને કરડતો કાનખજૂરો.
તરવરિયા દરિયાએ કાંઠા લગી તાણીને
રેતમાં તરછોડેલી તગતગતી છીપ.
આંટિયાળા ફળિયામાં ખોંસેલો પાવો કાઢી
ફૂંક મારતાં પહેલાં હોઠે જીભ ફેરવતા
જવાનીયાની મૂછનો સરકાટ ન્યાળી
અડેલી બેઠેલી કંવારકાની કાખે પસરતા ઘામની વાસ.
આઘેથી આવતા વાયરામાં કંઈક સૂંઘીને
માતેલો ખરીઓ પછાડતો આખલો
પાણા માથે શિંગડાં ભેરવે ત્યારે થથરતી ઊંચી ખૂંધ...

જેવું જીવતર જેવું જીવતર જેવું જીવતર
આગ પૂર આંધી ફાટતી ભોંય તૂટતાં આભ
જેમાંથી આપોઆપ ને તોય
જાતજાતની રીતે ગોઠવી રાખેલ
ચક્રવાતમાં અચલ
અને રાત પડતાં શાંત વન જેવું વણજંપ
વાંસના વીંધમાંથી વહી આવતા લયની જેમ ઊગ્યે જતું
જીવતર
જેમ દિવસે ઊગે

ઘાસ ઊગે
ડૂંડે બાઝેલા દાણાની જેમ તારા ઊગે
ખારાંઘેરા પાણીમાંથી ઊજળી ભૂરી હવામાં ઊછળીને આવતી માછલીને પાંખ ઊગે

વાંઝણી માટીમાં ઊંડે ખૂંપ્યા પહાણની હેઠ ખીજડાનાં મૂળિયાંની હેઠ
હવડ મકાનોના પાયાની હેઠ
દટાયેલાં ગૂંચળિયાં અળસિયાંની ખોભળીની વળીએ વળીએ આંખ ઊગે
કાચીંડાને ભીંગડેભીંગડે સુંવાળા રંગ ઊગે
પાનધાનફળમાંથી આસવ ઊગે
ઋતુઋતુના સમયમાં પલટા તોય ઓળખના સમને તોડ્યા વિના
માણસનાં વેણમાંથી ઊગી નીકળે તેમ
શાહીઓઢેલી ક્લમ અડતાં કાંપકાંપતા
બોલતાં આવડે નહીં એ કાગળને આખે અંગે
ફૂટી નીકળતા મોગરાની કળીઓ જેવા
અક્ષર પર
ઝાકળ જેવી ઊગી નીકળીશ ને?
તો તૈયાર ?
કવિતા !
*
‘પરબ', ઓગસ્ટ ૨૦૦૭


0 comments


Leave comment