1 - પરિશિષ્ટ : કવિની વાત ૨ : ‘અછાન્દસ આજે’ નિમિત્તે.


કવિ થયો ન હોય છતાં ચોક્કસ નહીં તો ય પોતાની કહી શકાય એવી ઓળખ તો તારવવાની જ હતી. આરંભે તો કવિતા વિષયો, બાની, પદાવલી. છંદયોજનાઓ જ્યાં એકસરખાં સુરક્ષિત સમાય એવા વેપારી વહાણમાં, આગલી પેઢીના કે પોતાના કવિઓની સાથે આ જાણીતા કિનારાથી જાણીતા કિનારા સુધી, ટોળાંમાંના એક તરીકે અવરજવર થતી હતી. લખવાનું શરૂ કર્યું ત્યારે મણિશંકરનાં સંસ્કૃત વૃત્તો, સુરસિંહની લાગણીવશતા, ઉમાશંકરના ગૌરવ-૨વ શબ્દસમૂહો કે ત્રિભુવનદાસના સાહસલય વરતાઈ આવે તો શિક્ષકો કે વડીલોની વાહવા મળતી, ઈનામો પણ દેવાતાં.

પણ શારદાશેઠાણીએ વહેલો વહેલો એ ટોળાનો સાથ છોડાવ્યો. સામે કિનારે જવા માટે તરાપો, હોડી, લાકડાનો લોથો કે ખાલી બાવડાં જાતે જ હલાવવાની જવાબદારી માથે મેલી. અડબડતાં, ગડબડતાં, ગબળોકડૂળોબ પાણીમાં ગળચિયાં ખાતાં સપાટીની નજીક હેઠળ તરતાં જતાં અવનવું જોવાનું મળ્યું અને જાણીતાં પરિમાણ અસ્તવ્યસ્ત થઈ ગયાં. હવે આ જે બદલાતું જતું હતું તેની કવિતા લખવાની. પછી તો એ અનુભવોના અનુરૂપ શબ્દો ઝટ જડે નહીં, જડે તો હથોટીમાં રમતવેંત બેસી ગયેલા છન્દોની ટોળીમાં ગોઠવાય નહીં. તરુણ રંગદર્શિતાનો તિરસ્કાર આવતો. પણ વાસ્તવના અતંત્ર વિસ્તારમાં કશો ય મૌલિક આવિષ્કાર નહીં. બોલવા કરતાં લવારી ઝાઝી. આમ આ ગડમથલમાં આરંભાયું અછાંદસ. સહિયારા અનુભવ સમકાલીનોના પણ. છતાં અછાંદસ માટેનાં પ્રયોજનો અનેક. કેટલાકને માટે એ બંડનો બૂંગિયો. કેટલાકને માટે મનસોક્ત વિહારની છૂટ્ટી. કેટલાકને માટે પર્યાયહીનતામાં આધાર. કેટલાકને માટે વ્રત. કેટલાકને માટે આહ્વાન.

ખંડ-પરંપરિત અક્ષરમેળ-માત્રામેળ છંદો લખ્યા હતા અને અલ્પવ્યય-અલ્પવ્યત્યય પ્રવાહિતા સાંપડી પણ હતી. છતાં ય ઉધારિયા ચલણી શબ્દો ખપમાં લેવા પડતા હતા. બજારુપણામાંથી છૂટ્યા નથી એ ખૂંચતું હતું. એ દિવસોમાં રાજુભાઈ સાથે મુંબઈની ‘કવિલોક’ની બેઠકોમાં મોકળા થવા મળ્યું. રાજેન્દ્ર શાહ ‘લિપિની’માં મોટી લોખંડી ફૂટપટ્ટીથી પ્રેસનાં પ્રૂફ માપે સુધારે અને ગુજરાતી લિપિમાં જો અમે વ્યાકરણ-જોડણીદોષ કર્યા હોય તો એ જ પટ્ટીથી બિવડાવે. પણ વિષય કે છન્દના સ્વાતંત્ર્યની આડે જરા ય ન આવે. એમને પણ શોધ હતી પ્રવાહી છન્દની. એમને બંગાળી આવડે એટલે પયારના પિતરાઈ મનહર-ઘનાક્ષરી-વનવેલી એમની કવિતાના ધોરીડા બન્યાં. પણ એમની કવિતામાં સંસ્કૃત તત્સમ શબ્દો ઝાઝા. અમારા મનમાં તો ગાંધીજીએ ઝૂંપડી બાંધેલી. બાની બદલવી જ હતી. તદભવ-તળપદમાં બોલવું હતું. આઠ માત્રાનો કટાવ સસ્તામાં વણથાક્યો હાજરાહજૂર. પણ એ મુફલિસ, બેફિકર છન્દ બોલકા બનતાં રોકે નહીં. ત્યારે વડોદરામાં ગુલામમોહમ્મદ શેખ ખુલ્લંખુલ્લા ગદ્યમાં લીટીઓ લખે. શેખની ઘણી બધી કવિતા પામી શકાતી ન હતી. એ કોઈ જુદા જમાનાનો અને આબોહવાનો માણસ હતો. એના લખ્યા પછવાડે સુરેશ જોષી અડીખમ અચળ ઊભેલા એટલે એને દોસ્તી-દુશ્મનીની પરવા નહીં.

‘કવિલોક’માં સાથે બેસીને રાજુભાઈની પાસેથી પંદરસોળ વરસની ઉંમરે ઇલિયટ, પાઉન્ડ, વાલેરી, લા ફો સાંભળીએ. હજી બૉદલેર, રિમ્બો, મલાર્મેને દીઠા ન હતા. રાજુભાઈના ઘરે રવીન્દ્ર સંગીત સાંભળવાની સાથે મંજુભાભીની પૂરણપોળીના ય સ્વાદ મળે. પ્રેસમાં ખજૂરાહોનાં શિલ્પ, શ્રીલંકાના જ્યોર્જ કીટનાં ગીતગોવિંદ, રતિરંજની ચિત્રો અને બાલિગોને પ્રાપ્ય ફોટોગ્રાફીની કળાનાં આલ્બમ જોવા મળે. યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં જઈને રેનેસાંથી માંડી વાન ગોઘ, ગોગાં, દેગા, માને, મોનેથી આરંભાતી આધુનિકતાની ફૂલબહાર ઉજવણી સેઝાં, બ્રાક, પિકાસો, મતિસ, દાલી, રૂસો, મિરો, મોદિલીઆની, કલી, કેન્ડિન્સ્કી કે માર્ક શગાલનાં ચિત્રોમાં દેખેલી. કવિતામાં આ બધું જોડાઈ જશે એવી ઉમેદ હતી.

હવે એ દિવસોમાં ઓળખાણ થઈ બૉદલેર, રિમ્બો, રિલ્કે અને રવીન્દ્રનાથ સાથે, કુત્સિતની સુંદરતા, બેજવાબદાર બહાદુરી, સંયત વિશાળતા અને ભારતીય રંગદર્શિતા એક સાથે. ભટ્ટ, ગોહિલ, જોશી, લુહાર, વાળો ઘાટ વળી પાછો. મોલ વગરના કોરા કાગળ જેવા એટલે જેવો સંગ તેવો રંગ લપેડાતો જાય. પણ એક વરસે કાઠું કાઢ્યું અને કલ્પન ગોતવા-રચવાની એષણા પ્રબળ બનતી ગઈ. કલ્પનની તાદૃશ્યતા અને સદ્યતામાં અંતરાય ન પરવડે. એટલે હવે અછાન્દસ અનિવાર્ય. રંગ, સ્પર્શ, ગંધ, રવ, આકારને અક્ષરમાં આંકવા માટે ગણવેશધારી ચપોચપ કે ઢીલા સાંધાવાળા લટકાળ અક્ષરમેળ-માત્રામેળ છન્દો નકામા હતા.

લખતાં લખતાં ઉંમર પણ વધતી ગઈ. મનોરથો અને પરિશ્રમો પછી ય અધિકારહીન જીવન પોતાની તારવેલી ઓળખના વૈતથ્યને પણ પ્રતીતિ કરાવતું ગયું. એ સમયનું વાંચન પણ આપસમાં વિરોધી છેડાનું. કાફકા, બેકેટ, આયનેસ્કો એક તરફ તો કામૂ, સાર્ત્ર બીજી બાજુ, ત્રીજી દિશાએ ફ્રોઈડ અને ડાર્વિન. જીવનનો અર્થ છે. જીવનનો અર્થ નથી. જીવવું એ જ અર્થ છે. આવા વિસંગત વિસંવાદો સાથે અંગત જીવનનો સંવાદ જોડાતો જતો હતો. એ અંગત જીવન કે જે ભવિષ્યમાં અનેક અર્થો-સિદ્ધિઓથી સભર છતાં ય ન્યૂન રહેવાનું હતું. જે વ્યવસાય માટે અભ્યાસ કરતો હતો તેમાં સત્ય સર્વોપરી. સંસ્કારમાં પણ સચ્ચાઈ પર શ્રદ્ધા શિખવાયેલી. ધર્મ-ઈશ્વર ઈત્યાદિ ઉપર શ્રદ્ધા રહી ન હતી. જીવનનું ઉત્તરદાયિત્વ, અર્થ હોય કે ન હોય, પોતાને જ માથે, અર્થ હોય કે ન હોય કવિતા એ જ એક શ્રદ્ધેય એ પણ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું. હવે તો રંગદર્શી વિષાદની કલ્પનાપ્રચુર કવિતા લખવાનો સમય પણ વીતી ગયો હતો. પછી તો નિર્ણયપૂર્વક લખવું એ જ લક્ષ્ય રહ્યું. નિર્ણય શેનો પોતાની કથની કહેવાનો? સાંપ્રતનું વર્ણન કરવાનો ? પોતાના ભૂતકાળ-પરંપરાઓ-પૂર્વસૂરિઓ-મૂલ્યો આ બધાંનો ઉપહાસ કરવાનો? આ સઘળાં તો નીચાં નિશાન હતાં. અંગત સુખદુઃખથી અતીત એવા વૈશ્વિક જીવનના સાતત્યના ઝાંખાપાંખા અણસાર આવતા હતા. આ સાતત્યને પામવા માટે ગાંઠે એક માત્ર ગર્થ – શબ્દ. શબ્દ જ સાધન, સાધના અને સિદ્ધિ. શબ્દ જમ્યા પછી પોતાનો – જાતનો જન્મ. શબ્દની શક્યતાઓનો આવિષ્કાર એ જ પોતાનું કવિકર્મ, એ જ ધર્મ. છાન્દસ-અછાન્દસના નિમિત્તે અત્યાવેશી કલહપૂર્ણ ચર્ચાઓ રમૂજ માત્ર બની ગઈ. પરિણામે કવિતા મિશ્ર રીતે લખાતી થઈ. છંદ પણ હોય અને અછાન્દસ પણ હોય. શબ્દને માટે જે આવશ્યક હોય તેનું ઇંગિત શબ્દ પોતે જ આપે. કશા ય હઠાગ્રહ રહ્યા નહીં. મારી ઓળખ મારો શબ્દ અને શબ્દ મારાથીયે મોટો. અને મારી ઓળખ કંઈ મારી મિલકત નથી. અને મારી ઓળખ કંઈ મોટા મોલની ય નથી. મારી ઓળખ ન હોય તો ય જીવન તો અખંડ રહેવાનું છે. અને હું ન ઉચ્ચારું તો ય શબ્દ અમર રહેવાનો છે. આવી પ્રતીતિ થયા પછી પેલું વૈતથ્ય ઓસરી ગયું. કશી ય સ્વીકૃતિ માટે કવિતા લખવાની ન હતી. કશો જ અર્થ નથી છતાં અને એટલે જ કવિતા લખવાની. કવિતા જ અર્થ છે.

ત્રેવીસ વરસની ઉંમરે પહેલી વાર બીથોવનની સિમ્ફનીઓ સાંભળી. સોળ વરસની વયથી કોઠાસૂઝ પ્રમાણે ચિત્રોની સંરચના સમજતો થયો હતો. એમ હવે આ સંગીતે નવું પરિમાણ છતું કર્યું. હવે પેલા શબ્દને વળી અધિક અધિકાર મળ્યો કવિને આહવાન કરવાનો. ત્યારે લગભગ દોઢદાયકાથી ય ઝાઝું મૌન પાળ્યું. એ ય અછાન્દસ જ ને! પણ આ દોઢ દાયકામાં બહુ દોસ્તીઓ કરી. જેમ્સ જોય્સ, હેન્રી મિલર, ફોકનર, સમયની યાત્રા અતીતમાં કરીને સર્વાન્તિસ, રાબેલે, હોમર, પ્રેમાનંદ, વ્યાસ, વાલ્મીકિ સાથે વાતો કરી. પછી તો રિત્સોસ, ક્વાફી, પેસોઆ, પાઝ એવા તો અનેક પડછંદા મળ્યા. અને શબ્દ એ જ સર્વસ્વની ઝાઝી સમજણ આવી. એ શબ્દ કવિતા લખાવતો થયો.

કવિતા લખવા માટે જે આવશ્યક હોય એનું ઇંગિત શબ્દ જ આપે. તો એવું તે શું છે શબ્દમાં? શબ્દ ઉચ્ચાર થઈને જન્મ્યો. એટલે અર્થની સાથોસાથ અવાજ અને સંગીતની શક્યતા તો પ્રાથમિક. પછી બીજા શબ્દો સાથે એના સંબંધોની શક્યતાઓ. પહેલાં જે જે પરિસ્થિતિમાં પ્રયોજાયો હતો તેથી નિશ્ચિત થયેલા સંદર્ભો અને ભાતણીઓ. આકસ્મિક કે ઐચ્છિક નવા સંદર્ભો જોડતાં નિપજતાં આશ્ચર્યો. શક્યતાઓ અને નિષ્ફળતાઓ કે વિસંગતિઓ શબ્દોને ખંડિત-જિત-લવચિક-સમાસિત કરતાં પ્રગટતી લીલાઓ અને આવું અનેક. કવિ આવા પરિશ્રમો દીર્ઘકાળ કરે અથવા પલકારામાત્રમાં પામી જાય. અને આમ કવિનો શબ્દ સાથે અંગત સંબંધ વિકસે. અને ઉભયના આ સંબંધમાં ઇંગિતોથી વ્યવહાર ચાલે. શબ્દ કવિને આજ્ઞા નથી કરતો અને કવિનું શબ્દ પર સ્વામીત્વ નથી હોતું. આ અવસ્થાએ છાન્દસ-અછાન્દસનો કોઈ ભેદ નથી રહેતો.

છન્દના મૂળમાં તો છે લય. લઘુગુરુનાં આવર્તનો અને એ આવર્તનોને જોડતા વિભાજતા યતિઓ અને સંગીતને આવશ્યક તાલ. પણ આ એક સ્વરૂપ છે લયનું અને લય એટલા પૂરતો જ મર્યાદિત નથી. ભાષાનું વ્યાકરણ પણ લયને વિસ્તાર છે. વિવિધ પ્રાસયોજનાઓથી પણ લય નિપજે. ગતિઓ, સ્થિતિઓ, અગતિકતાઓ પણ કવિતામાં હોય જે વિવિધ લયથી પ્રતીત કરી શકાય. કોઈ સિમ્ફનીમાં વચ્ચે વચ્ચે એકદમ અરવ મૌન આવે (કોઈ ચિત્રમાંના રંગહીન અથવા સપાટ રંગના કોઈ અવકાશ જેવું) આ મૌનમાં આગળના સ્વરોનાં અનુરણન કોઈ આકાર પામતાં હોય અને આવનાર સ્વરોને માટે અવકાશ રચાતો હોય. કવિતામાં પણ આવું બને. હું ક્યારેક માત્રામેળ છન્દની સાથોસાથ આમ અછાન્દસના ટુકડા મૂકતો હોઉં છું. એકાદ ચિત્રમાં ભૂરો રંગ કેન્દ્રમાં હોય અને એને ગુલાબી કે લીલો આવરતો જાય અને વળી પછી ક્યાંથી ભૂરો એકાદી રેખાને આધારે એક નવા આકારમાં ફરીથી વિસ્તરે. આમ ક્રિયાપદો, કૃદંતો, વિશેષણોની પરંપરિત યોજનાથી સ્થપાતા લયની આસપાસ અછાન્દસ ગોઠવી વળી ફરી જૂના લયને બદલાયલા પરિણામમાં પુનર્ગતિક કહી શકાય. લાભશંકર, સિતાંશુ કે મારી કેટલીક કવિતાઓમાં આ રીતિઓની પ્રતીતિ થઈ શકશે. શેખની કલમમાં તો અછાન્દસની લગભગ તમામ તાસીર જાહેર છે. વળી જેમ દ્રુત વિલંબિતનાં અનેક આયોજનો કરી શકાય તેમ અછાન્દસમાં પણ લાંબાં વાક્યો કે શબ્દસમૂહો અને ટૂંકા ટુકડાઓની ભાતણી કરાતી હોય છે. આમ તો આ બધું સપ્રયોજન હોય છે પણ ક્યારેક ભાષા કવિને વટાવી જઈ અનપેક્ષિત નકશી કામ ઝબકારી દેતી હોય છે તો ક્યારેક પ્રયોજનને અવગણીને કવિતા એને વિખેરી પણ છે. અને આવું જોખમ સ્વીકાર્યા વિના કયો કલાકાર સાચો બની શકે?

પણ ક્યારેક સાહસને બહાને નાસી છૂટવાના પ્રયત્નો પણ થતા રહે છે. ત્રણ સાડા ત્રણ ધયકાથી મારા પ્રયાસોને કારણે અન્ય દેશોમાં અને અન્ય ભાષાઓમાં લખાતી કેટલીક સમકાલીન કવિતાનો સાક્ષી છું. કવિતાની સાથોસાથ નાચ-નગારાં, મંચ પર આવતાં પહેલાં હાથમાં ઘંટડી રણકાવીને કવિ પ્રત્યક્ષ થાય. કવિતાના મનસ્વી પાડેલા ખંડોની વચ્ચે વચ્ચે વેશ બદલીને આવે. સભાગૃહના કોઈ અંધારા ખૂણામાંથી હાકોટો પાડી મંચ ઉપર ધસી આવવાની સાથોસાથ સંગત-વિસંગત આંગિક ચેષ્ટાઓ-કસરતો કરે. જકાર્તામાં એક બૅન્જિયન કવિએ કેટલીક મિનિટ લગી આરોહ-અવરોહ માત્ર ર્રર્રર્ર.. ... એ એક જ અક્ષરનો કરેલો પાઠ સાંભરે છે. લૂગડાં ઉતારીને કવિતાને સૌની સામે ઊભી કરી દીધી પછી તો ચામડી ય ઊતરડી નાંખી એવું લાગે. એની સાથોસાથ સાંભરે ખોટા પર નચાવતા કવિતાને કેવા કેવા વાઘા ચડાવતા હતા તે ગવાતી કવિતા. પછી વાજાં વગાડીને સંભળાવેલી કવિતા. આધુનિક ઉપકરણોને આલંબને પોલકામાં રૂના બાચકા ભરીને જાણે કે લલચાવતી કવિતા. ભાવકને ભોગી બનાવી અને રસિકતા પર પાન થૂંકતી કવિતા. હમણાં હમણાં એક સામયિકમાં કોઈ ચિત્રકાર સાથે થયેલ સંવાદ વાંચ્યો. (જેમાં એ સંપાદકે અગાઉથી પોતાની કલાસૂઝ અને નિષ્ઠાનો ખુલાસો સદ્ભાગ્યે કરેલો છે). ચિત્રોનું પ્રદર્શન થયું તે મહેલ. તે મહેલના અવયવો. ઉપરતળે ગોઠવેલા અરીસા. એમાં પડતાં ચિત્રોનાં પ્રતિબિંબ. ભાવકના પ્રવેશ અને નિર્ગમનની ડોકિયાં કરતી આંટીઘૂંટીઓ. આ બધાંથી હોશહરખ ભરી કલાકારની મુખરિતતા. અને મુગ્ધ સાહિત્યિક મુલાકાતીઓને થયેલી ધન્યતાનો ઘુઘવાટ. Installation.

આવી બધી બનાવટો અને ફસામણીઓથી બચવા માટે અમે અછાન્દસ લખતા રહ્યા. ભલે પૂરેપૂરો અધિકાર ન સ્થપાય, ભલે અપૂર્ણ રહે પ્રયોજનો. પણ નિર્ણય લેનાર પોતે છીએ અને ભાષા સિવાય ઈતર કોઈ આલંબન નથી ખપતું માટે લખ્યું અછાન્દસમાં. અને એટલે જ તો અછાન્દસમાં અપિહિત અનેક લયના આવિષ્કાર થયા. છન્દમાં ય લખ્યું અને અછાન્દસમાં લખ્યું. પણ બીજા કોઈ ઉપકરણોની કૃપા લીધા વિના લખ્યું. સદા સિદ્ધિ ન મળી તેથી શું? Who talks of victory? To endure is all. આ તો રિલ્કેએ કહ્યું જ હતું ને!

કોનું કામ ગમે છે એનો જવાબ અધૂરો જ રહેવાનો. શેખની કવિતામાં અછાન્દસ આરંભાયું અને એની સાથોસાથ શેખમાં જ અછાન્દસની શક્યતાઓ અંતિમ સુધી પહોંચે છે. ગમતા અછાન્દસ લખનાર કવિઓ સિતાંશુ, લાભશંકર, ચિનુ (બાહુકમાં), રાધેશ્યામ શર્મા, કમલ વોરા, બાબુ સુથાર અને જેનું ભાગ્યે જ કંઈ છપાયું છે અને જેને બહુ ઓછા જાણે છે તે જગદીપ સ્માર્ત. અછાન્દસને સમાંતર ગીતને અનિયત કરી મુક્તિ આપનાર રમણીક સોમેશ્વર અને સંજુ વાળા પણ પોતાની ટુકડીના લાગે છે. આ સિવાય પણ બીજા તરુણ કવિઓએ સારુ લખ્યું છે. જેમ કે રાજેન્દ્ર પટેલ. પણ કેટલાકનું અછાન્દસ છન્દશિસ્તના કે શિક્ષણના અભાવે છે. નિર્ણયપૂર્વક નથી બાકી પાંડુ કાવ્યો અને ઈતરમાં સંગ્રહિત થયા પછી લખાયેલી વાઘની વાતો, સુખદુઃખની વાતો, જાતની વાતો કે ‘વાસોચ્છવાસ’ની કવિતાઓ અને ‘કવિતા વિશે કવિતા’ના જૂથમાં અછાન્દસની અનેક શક્યતાઓ ઓળખી છે અને વિસ્તારી પણ છે. અથ-ઈતિ કહેવા સુધી પહોંચ્યો નથી. અને હજી ઘણું લખવાનો છું. ઘરડો ય થવાનો છું. ચાલીશ કે ડગમગીશ છન્દમાં ય અને અછાન્દસમાં ય.

ખેવના, ‘અછાન્દસ-આજે’ : વિશેષાંક', જૂન ૨૦૦૭


0 comments


Leave comment