1 - પોપટ બેઠો / ધીરુ પરીખ
અધખૂલી કૈં આજ સવારે
પોપટ નાનો આવી બેઠો
જીરણ ઘર–મોભારે.
આછો એવો એક ટહુકો કીધો,
વનનો આખો ઉઘાડ વેરી દીધો !
અટકેલુંયે નેવે નેવું
પાંદ બનીને ફરક્યું,
વળીઓની ડાળેથી શીળું –
કિરણ છાનકું સરક્યું,
ભાતભાતનાં ફૂલ પાંગર્યા
ઈંટ ઈંટ પર,
સાવ શૂન્યનું ફળ ઝૂલતું તે
પોપટના ટહુકાએ ટોચ્યું,
ચાંદરણાંનાં પતંગિયાં શાં
ફૂલ ફૂલ પર ઊડ્યાં !
પલભરમાં તો
વનને ઘેઘૂર ફાલ ઝૂમતો હેઠો,
પોપટ નાનો ઘર-મેભારે બેઠો !
0 comments
Leave comment