2 - તડકો / ધીરુ પરીખ


‘ભડકો ભડકો’ કોણ કહે છે ?
તડકો ન્હોયે ભડકો ભડકો.

સમળી તરતી તડકે
તડકો ક્ષીરસાગરનું પૂર;
વગડે વરસે તડકો
તડકે આવળફૂલનું નૂર.

હસતો તડકો
ગુલમહોરની ડાળે ડાળે
લાલ લાલ થૈ ફૂલ;
ઝૂલતો તડકે આંબાડાળે સાખ થઈ મસગૂલ.

તડકો બોર બનીને તાકે,
તડકો પીલુ થૈને પાકે,
તડકો સર–સપાટીએ નાચે,
તડકો હિમશિખર પે રાચે,
તડકો પાકી જારનાં ભર્યા ખેતરે
પાનપાન રણકાતો;
તડકો પ્રપાત કેરી છાબ મહીં તો
હીરા બની છલકાતો.

તડકે શાહમૃગના
પગમાં પેસી દોડે,
તડકો રણવગડામાં
વરાળ થૈને ઊંચે ઊંચે મોડે.

વૃક્ષઘટામાં પેઠો તડકો
રમતો અડકો દડકો;
વાદળપાંખે બેઠો, ઊડતો
હળવે હળવે તડકો.

તડકો લીલા મોલે હીંચે
તડકો સમીર-હાથે ખીંચે
સાળુ ધરતી કેરો ધૂળનો,
( તડકો તોફાની તે મૂળનો !)

તડકો પડછાયે સંતાતો,
તડકો ધુમ્મસમાં કંતાતો,
તડકો ફરફર ફોરે કોરો,
તડકો મેઘધનુનો તોરો.

તડકો ન્હોયે ભડકો,
તડકો ન્હોયે તડકો !


0 comments


Leave comment