4 - પતંગિયાની પાંખો / ધીરુ પરીખ


આ પતંગિયાની પાંખો વ્હેંચે
આંખો લ્યો કોઈ આંખો !

આ રંગ તણી કંઈ છોળો ઊછળે
ફૂલ ફૂલના દરિયે,
આ પાંખો કેરા સઢ ફૂલ્યા,
લ્યો એક પછી એક દરિયા તરિયે.

આ નીચે ધરણી આભ ઊંચે
એ બેની વચ્ચે
અડીખમ્મ અવકાશ ભર્યો તે
પાંખોનાં કંઈ
એક લસરકે હર્યો :
આ યે અવકાશ જરીમાં
પતંગિયું થૈને ફરફર્યો.

આ ઉપર ઝૂમે તારાઓ
કંઈ એટએટલી લાખો,
આ પતંગિયાની પાંખો વ્હેંચે
આંખો લ્યો કોઈ આંખો !


0 comments


Leave comment