5 - માછલી / ધીરુ પરીખ


અફાટ ને વિકરાળ અબ્ધિમાં
નાજુક નમણી
એક માછલી ખેલે.

પ્હાડ પ્હાડ શાં
ઊછળે મોજાં,
ઘડી ખીણમાં
ઘડી શિખર પર
તેજલ કણ શી
રેશમિયા કાયાને ઠેલે.

ઠેલાતી ફંગોળાતી એ
રેતી કેરા શાન્ત ગંભીર
બીજા સાગરમાં
શ્વાસ નિરાંતે મેલે...

દૂર ઊછળતાં સાગરજલનું
એક શીકર જ્યાં અડકે
પાંખ મહીં પોઢેલો સાગર
ખળભળ ખળભળ થડકે.

અવળીસવળી ઊછળે
અંગે અમળાએ આખોય
અબ્ધિ શો બાંધેલો દૃઢ ચૂડે :
ગરજતા સાત સાગરો
કાળી કૈં પરવાળા જેવી
સ્થિર નાનકી આંખે
આખર એકસામટાં બૂડે !


0 comments


Leave comment