7 - પંખી / ધીરુ પરીખ


આજ અચાનક પ્રાંગણ પંખી દીઠું !

નામ ન જાણું,
ગાન મધુરુ માણું.
ગરક થઈને જોતો ઊભો....

પંખી આ તો
આંગણ થૈ ફેલાવા લાગ્યું
હવા થઈ રેલાવા લાગ્યું
આભ થઈ પ્હોળાવા લાગ્યું
શ્વાસ થઈને
પ્રાણ મહીં છોળાવા લાગ્યું....

છલકે મારાં અંગે અંગે
શતવિધ એ કલશોર;
પંખી પંખી પંખી ચારે કોર !

....અને અચાનક ઊડી ગયું જ્યાં
અવ તો શોધું મુજને હું ક્યાં ?


0 comments


Leave comment