8 - આભ અને હું / ધીરુ પરીખ


સાવ નાનકું
પૂર્વ દિશાથી અણજાણ્યું કો પંખી આવ્યું
પાંખ ભરીને વિરાટ કેવું વ્હાણું લાગ્યું !
ટહુકે ટહુકે આંગણ મારે
પ્રકાશ – લ્હાણું કીધું :
મૂઢ ચેતના
ઘન અંધારે અથડાતી'તી તેને આ શું
તેજકિરણનું લંગર દીધું !

આભ અને મારી વચ્ચે આ
પંખી-સેતુ સીધો;
આભ હવે મારામાં ને
ખુદ આભે મુજને નિજમાં ગૂંથી લીધો.
તેજ પૂઠે અંધારું અવિરત
પૃથ્વીપટમાં છોને ચહુદિશ ઊગે,
હુંને એનો પડછાયો યે
લેશ હવે નહિ પૂગે.


0 comments


Leave comment