9 - પાતાળથી વ્યોમ લગી / ધીરુ પરીખ
પાતાળથી મૂગું મૂગું ફૂટ્યું ગાન
કોશ તણું કિચૂડાટે લાધ્યું;
થાળા મહીં ઠલવાઈ
ધોરિયામાં ખળખળ વાધ્યું.
ચાસચાસ પહોંચ્યું ગાન
મૂળમૂળ સીંચ્યું;
ફાટફાટ ઊંબી મહીં
ભીનલ સોડમ ભરી
હળુહળુ હીંચ્યું.
ચાડિયાની આંખ સામે
ચાંચ ગાન ચણી લીધું;
ટહુકાની પાંખે ચડી
આખું યે આકાશ ભરી દીધું.
પાતાળથી વ્યોમ લગી
વ્યાપી વળ્યું ગાન;
અણુ અણુ જડને યે
ફૂટ્યા આજ અગણિત કાન !
0 comments
Leave comment