10 - નારા / ધીરુ પરીખ


અધરાતે ચૂએ છે કેવું
શતશત ધારે આભ !

પલળી પલળી વૃક્ષ થયાં સૌ પાણી;
ગગન આંબવા થનગનતા આ
નગર તણી લો
જલની જાદૂઈ ચાદર નીચે
મળે નહીં એંધાણી.

નરી નીરવતા પાણી થૈને ખખડે,
અધગાંડો આ પવન થઈને પાણી
અહીંતહીં રખડે.

પથના દીવે ટપક ટપક ટપકે આ
ઝાંખું તેજ બનીને પાણી;
નોધારી કો પશુ-ધ્રુજારી
પાણી થઈ તણાણી.

અન્ધકાર પણ પાણી થૈ છવરાયો,
રસ્તે રસ્તો પાણી થૈ પથરાયો.

બારી અંદર ફોરું આવી અડકે
ખંડ તણી દીવાલો મધ્યે
રૂંવેરૂંવું રક્ષિત તેના મહાભૂત તે
ગળી, અકેલા પાણી થઈને થડકે.

વિચારવાનો ક્યાં છે વારો ?
તણાઈ ગ્યો હું ખુદ જે તારો !

ના ધરતી, ના આભ,
હવે તો નારા કેરી કહાણી
ચોગરદમ બસ વિલસે છે એક પાણી !


0 comments


Leave comment