11 - લીલેરો સંવાદ / ધીરુ પરીખ


આ વરસ્યો ન’તો કદી યે
મન મૂકી વરસાદ !

કોરીમોરી રાંક આંખમાં
આંજ્યાં લીલાં અંજન,
ઘુમરાતા વ્હેળામાં હસતાં
ધરતી-ચહેરે
પડ્યાં લીલેરાં ખંજન,
ખળખળ વ્હેતાં નીર મહીં કો
વ્હાલ ભરેલી મૂક વાતનો
ઝળહળતો આ શો લીલો કલનાદ !

આ વરસ્યો ન’તો કદી યે
મન મૂકી વરસાદ !

માણસ લીલાં ભાસે,
ભાસે લીલાં લીલાં ધામ;
આકાશી ખેતરમાં ફણગ્યા
લીલેરા ટહુકાએ જાણે
હરખ-લચેલાં હૈયાં તણા મુકામ.

અન્ધારું આ લીલું,
આજે પ્રકાશ પણ છે લીલો,
લહેકાતી લહરીમાં મ્હેકે
લીલી ગંધનો ચીલો;
ખીલ્યો શો ચોપાસ અકળ
આ લીલેરો સંવાદ !

આવો વરસ્યો ન’તો કદીયે
મન મૂકી વરસાદ!


0 comments


Leave comment