12 - પાછલી ચાંદની રાતમાં / ધીરુ પરીખ


પાછલી ચાંદની રાતમાં
ઊતર્યું વ્યોમ શું ભોમ પે?

રાનમાં, વ્હેણમાં,
અબ્ધિનાં ફીણમાં,
ખીણમાં, રેતમાં,
શ્વેત આ આભ તો
મીણ શું ઓગળી જે ઢળ્યું
ભોમની શુભ્ર બિછાતમાં ?
પાછલી ચાંદની રાતમાં !
પ્હાડથી, વાડથી,
વૃક્ષના ફાલથી
ચાંદની કે પછી
આભ ઝૂક્યું અહીં વ્હાલથી ?

ચાંદની ઝાડ ને ચાંદની પ્હાડ છે;
પવન થૈ ગેલતી ચાંદની
ઈશનું લાડ છે !

અરવ આ વ્યોમ
તે ચાંદની ગ્હેકતી,
રાતરાણી તણો છોડ
તે ચાંદની મ્હેકતી,
ઝિલ્લિનાં નર્તતાં ઝાંઝરો ચાંદની,
ચાંદની ઝીલતો હું ય તે ચાંદની,
ચાંદની ચાંદની
પાછલી ચાંદની રાતમાં !


0 comments


Leave comment