1 - બળે દીવાની જ્યોત / ધીરેન્દ્ર મહેતા


હાથમાં લીધાં કલમ ને દોત,
પાસે બળે દીવાની જ્યોત..

રેતનદીના પટ શો કાગળ હાથમાં કરચલિયાળો,
કરચલિયાળા અક્ષર જાણે કોઈ વીંખેલો માળો,
ટેરવે આવી તલપી તલપી થીર થયાં છે કપોત !
પાસે બળે દીવાની જ્યોત....

કલમની અણીએ કાગળિયા પર શબ્દો કૈં તરડાયા,
તરડાયા શબ્દોમાં સળવળ સળવળ મારી છાયા,
આયખું આખું મેં ગોતી, લે, તુંય હવે એ ગોત !
પાસે બળે દીવાની જ્યોત...
હાથમાં લીધાં કલમ ને દોત.

૧૯-૧-૧૯૮૪


0 comments


Leave comment