5 - પડછાયા / ધીરેન્દ્ર મહેતા


મને ક્યારેક જોઈ દૂરથી ગભરાય પડછાયા,
અને ક્યારેક આવી આંખમાં ડોકાય પડછાયા !

થઈ કણકણ બધે આ ભૂમિ પર વેરાય પડછાયા,
સૂરજના રથ તળે મારા સદા ચગદાય પડછાયા !

જુઓ, એને દિવસ ને રાતને કેવો અજંપો આ,
કે પ્રગટે પંડમાં ને પંડમાં હોલાય પડછાયા !

પછી તે એમનો પણ રંગ શાને હોય ના કાળો ?
જુઓને આ બધા અંધારને પી જાય પડછાયા !

અકારો થઈ ગયો કે હશે એ મૌન કેરો ભાર !
સમયના સૂર સાથોસાથ મૂંગું ગાય પડછાયા !

હવે લે, એમની સોબત તણી તો વાત શી કરવી ?
કે હું તે ખોળતો જાઉં અને ખોવાય પડછાયા !

૨-૨-૧૯૬૭


0 comments


Leave comment