6 - પડછાયો અને હું / ધીરેન્દ્ર મહેતા


આ એક પડછાયો અહીં લાંબો થતો નીકળે,
એ ક્યાંક મારામાં જ છુપાયો હતો, નીકળે.

ધરબી દીધો ભોંયે, પછી ક્યાંયે ન’તો, નીકળે ?
પણ ખળભળી ઊઠી ધરા, ને જોયું, તો નીકળે !

ક્યાંથી નહીં તો હોય કાળોમેશ તો છેક એ ?
મારો જ ગુપ્ત અંશ કોઈ, થઈ છતો નીકળે !

આમ જ લહેરાયા કરે સાગર થઈ ચોતરફ,
ને ઝંપલાવ્યું ત્યાં અરે, એ પર્વતો નીકળે !

મારા ઉપર નક્કી જ સમજો, હિમવર્ષા થઈ હશે,
ક્યારેય નહિ તે આમ કૈં એ ધ્રૂજતો નીકળે?

છે એક મોસમ તે છતાં અનુભવ અહીં છે જુદા :
હું તો રહું કોરો અને એ પલળતો નીકળે !

કાયમ જડાઈને રહે મારા પગે આમ તો,
ને તે છતાં આગળ, ઘડી પાછળ જતો નીકળે !

૧૩–૬–૧૯૮૦


0 comments


Leave comment