7 - હું, છાયા અને બેચેન પગરવ / ધીરેન્દ્ર મહેતા
કહો જોઈએ શું ગઝલમાં હજી પણ?
હતા તે બતાડ્યા બધાયે વ્રણેવ્રણ !
હું, છાયા અને એક બેચેન પગરવ :
રહ્યાં ચાલતાં બસ સતત આ ત્રણેત્રણ...
બચી હોય એમાં રખે શક્યતા કૈં,
નિચોવો ફરી રેતના આ કણેકણ !
દિશા કઈ, દશા કઈ, હવે ગતિ કહો કઈ,
અહીં મીણનું ઘર અને ત્યાં રણેરણ !
મળ્યા ઝંખનાના જ અવશેષ કેવળ,
અમે ખોતરી જો અમારી ક્ષણેક્ષણ !
૯-૬-૧૯૭૮
0 comments
Leave comment