8 - તમરાંની મહેફિલ / ધીરેન્દ્ર મહેતા


આંખે આવ્યું કેવું કસ્તર,
સાત જનમનું અમને નડતર,

ના જ સમાયાં અશ્રુ અંદર ?
સાવ છલોછલ આખું ભીતર ?

ઊંચકતા રે’વાનો પથ્થર,
પર્વત પરની ચઢ ને ઊતર !

એ જ હિસાબ માંડ્યા પાછા,
એ જ ભણ્યા લો પાછું ભણતર !

એમ જ શ્વાસો પાછા ચાલ્યા,
એ જ વગાડ્યું પાછું જંતર !

હજુયે દોડે અશ્વો તબડક,
ગઢની રાંગે હજુયે કળતર !

આંસુ-વ્યથાનો મેળ મળે ના,
પાણી પર કૈં થાયે ચણતર ?

શબ્દો દ્વારા કેટલું પામો ?
તરણા ઓથે કેવો ડુંગર !

તમરાંની મહેફિલમાં બેસી,
સાંભળશું થઈ મૂંગામંતર !

૨૩-૧૨-૧૯૭૯


0 comments


Leave comment