9 - કાગળ કને / ધીરેન્દ્ર મહેતા
એ વાત ત્યાં અટકી ગઈ, આવી ફરી અટકળ કને,
પહોંચી શક્યાં ના ટેરવાં છેવટ સુધી સળવળ કને !
એ કોણ છે જે રાતના પગલી અહીં પાડી ગયું,
હળવેકથી પૂછે સવારે જઈ કિરણ ઝાકળ કને !
હમણાં સુધી ગાગર ઉપર ચકચક થઈ ચળક્યા કર્યું,
એ કોર કાઢીને હવે જોયા કરે વાદળ કને !
ત્યાં સૂર્યસૂર્ય થઈ રહ્યું જળના તરંગોમાં બધે,
મોજાં અગર ના જઈ શક્યાં કેમે કરી ઝળહળ કને !
તું નાવડી લઈ શબ્દની જો નીકળે, ક્યાં નાંગરે ?
ના આવવું આમ જ પડ્યું આખર અહીં કાગળ કને ?
૧૩-૧૨-૧૯૭૮
0 comments
Leave comment