10 - સુરભિના કોમળ ભારથી / ધીરેન્દ્ર મહેતા
સંભવ છે આ હૈયું ફરી ધબકે ન પદસંચારથી,
કે એમ તો ભરમાય કોઈ ક્યાં સુધી ભણકારથી ?
નહોતી ખબર તુજ યાદમાં દિલની થશે આવી દશા :
કચડાઈ ગઈ છેક જ કળી સુરભિના કોમળ ભારથી !
એકાન્તના ખંડેરમાં બસ મૌન તડફડતું રહ્યું,
પડઘોય સાંભળવા મળ્યો ના શૂન્યતાના દ્વારથી !
કેવી રીતે તુજ દર્શને આવું ભળી આ ભીડમાં ?
કે જાઉં છું હું ખુદ છળી મારા જ આ આકારથી !
ચોપાસથી ઘેરી વળ્યાં છે જંગલો ફેલાઈને,
પાગલ બની વીતી પળો પીધા કરું છું ક્યારથી !
૨૧-૪-૧૯૬૮
0 comments
Leave comment