2 - પ્રકાશકીય / કંદરા / ચન્દ્રકાન્ત ટોપીવાળા


સદગત બી. કે. મજૂમદારના વસિયતનામામાં પ્રગટ થયેલી સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં નવા સર્જકોને ઉત્તેજન આપવાની એમની ઇચ્છાના અનુસંધાનમાં રચાયેલી શ્રી બી. કે. મજૂમદાર ટ્રસ્ટ પ્રકાશન શ્રેણી હેઠળ આ કાવ્યસંગ્રહ પ્રકાશિત થઈ રહ્યો છે.

આ શ્રેણીમાં સંસ્કૃતિરાણી દેસાઈના ‘સૂર્યો જ સૂર્યો’ કાવ્યસંગ્રહ પછીનો નારીકવિને રજૂ કરતો આ બીજો સંગ્રહ છે. આ બંને સંગ્રહોમાં કવિચેતનાએ માત્ર ગદ્યને માધ્યમ બનાવ્યું છે; તર્કને છોડીને મુખ્યત્વે તરંગને તરીકા તરીકે અપનાવ્યો છે. આવી સીમિત વર્તુળ રેખામાં સંસ્કૃતરાણીની કોટિ (conceit) તરફની દોડ અને મનીષાની અસંગત તરફની દોડ એમના કેટલાક વિજળીક આવેગોને સક્ષમ રીતે પ્રતિબિંબિત કરી શકી છે.

જીવન નહીં પણ એની પ્રક્રિયા અને એના પરની પ્રતિક્રિયા મનીષાને મન મહત્ત્વની છે. પ્રક્રિયા મારફતે એ જીવનની એકદમ નિકટ સરે છે, વાસ્તવને નિરીક્ષે છે અને પ્રતિક્રિયા મારફતે જીવનથી વેગળા હટી પોતાનું અતિવાસ્તવ અને પરાવાસ્તવ રચે છે. આવી રચના સૃષ્ટિમાં સૌથી વધુ હાથવગી સામગ્રી રહી છે મનુષ્યયોનિથી ઈતર પશુયોનિ. ઠેર ઠેર સંખ્યાબંધ પ્રાણીઓથી રચાતો અહીંનો શબ્દસંદર્ભ કવિના સંદિગ્ધ અંતરંગનો સંદર્ભ જ હોય છે. આ સંદર્ભ ક્યારેક તો ખુદમાં પ્રાણીઆરોપણ (Lycanthropy) સુધી પહોંચી જાય છે. એટલે કે આ સંદર્ભને સપાટી સાથે છે એથી વિશેષ ખીણ સાથે સંબંધ છે : સપાટી સપાટી રમતાં રમતાં / છેવટે હું થાકીને મને થયું / ચાલને ખીણમાં પડું! (પૃ. ૩૨)

આમ જોઈએ તો આ રચનાઓ મુખ્યત્વે કવિના, બંધ બારણે થતાં રોમાન્સની કથાઓ છે. આંતરિક સંચલનના દસ્તાવેજો છે. એમાં પેટાળનું ધગધગતું પ્રવાહી છે અને અવકાશમાં મળનાર ઝેરી વાયુ પણ છે. એમાંથી જન્મતાં શિશુગ્રંથિ (બાળકોને જન્મ આપવાની, સ્તનપાન કરાવવાની વાત) નાં આવર્તનો અને નારી દેહનાં વિશિષ્ટ વેદનો ખાસ ધ્યાન ખેંચે છે.

અહીં ઘણીબધી રચનાઓમાં કેન્દ્રિય તણાવના અભાવને કારણે અસંગતની સીમ પર સામગ્રી વેરવિખેર થતી લાગે તેમ જ શિવાલય સાથે આવતું લોબાન (પૃ.૫૪); ગાયની અંદર ઊછરતો બળદ (પૃ. ૬૨) કે બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળ રૂપે જમાડતી સીતામૈયા જેવાં સ્થાનો ક્ષતિયુક્ત લાગે–છતાં ‘પ્રદક્ષિણા’, ‘સસ્યસંપતિ', ‘જેલ’, ‘રંગ’ ‘ગોઝારી વાવ', ‘ ‘રોમાન્સ’ જેવી રચનાઓ બેશક નીવડી આવી છે. શ્રેણીનો આ ચૌદમો મણકો છે.
- ચન્દ્રકાન્ત ટોપીવાળા


0 comments


Leave comment