1.10 - જલપરી / મનીષા જોષી


કોઈએ પથરો નથી બાંધ્યો મારી પીઠ પર
અને મને તરતાં પણ આવડે છે.
પણ હું જાતે જ જઈને બેસી ગઈ છું દરિયામાં.
માછીમાર જાળ પર જાળ નાખ્યા કરે છે,
કશું મારા સુધી પહોંચતું નથી
છેવટે એને લાગે છે કે હું કોઈ જલપરી હોઈશ.
આ પાણી પણ પૂજે છે મને.

નથી ડૂબાડતાં નથી બહાર ફેંકતાં
દરિયો મારા ખોળામાં સૂઈ જાય છે.
હું મારી સાડીનો છેડો ઢાંકીને એને દૂધ પીવડાવું છું.
એ અંદર તસ્ તમ્ મારાં સ્તનોને ચૂસે છે.
મને તરસ લાગે ત્યારે હું પણ એનું થોડું પાણી પી લઉં છું.
પણ, એક દિવસ તો આખરે મારે જવું પડશે.
રૂપરૂપના અંબાર જેવા કોઈ રાજકુમારે ફેંકેલી જાળમાં,
હું તરફડીશ એના મહેલમાં દરિયા વગર,
એ તો તમ્ તમ્ ચૂસશે મારાં સ્તનોને,
પણ હું ક્યાંથી પીશ પાણી?
હું પાછી દરિયામાં જતી રહીશ એ બીકે
એ કદાચ કાપી નાખે મારા માછલીના પગ.
પણ તરસ?
અને તેય જલપરીની તરસ?
એ તો મારા આ સુંદર મુખમાં છે.
આ રાજકુમારના સાત સાત મહેલ ડૂબી જાય તો ય
છીપાય નહીં એવી એ તરસનું શું કરું?
રાજકુમાર મને નૌકામાં બેસાડી જલવિહાર માટે લઈ જાય છે.
હું પણ મારી તરસને છુપાવી લઈ જલક્રીડા કરું છું એની સાથે.
પાણીનો ખોબો ભરું છું કે જીવ બચાવતી,
સરી જાય છે એક માછલી હાથમાંથી
જલસુખ કે છલસુખ,
અંતે તો બસ તરસ.


0 comments


Leave comment