1.14 - સૂરજ / મનીષા જોષી


હું સ્વયંપર્યાપ્ત છું.
તડકો ફૂટે છે મારા જ શરીરમાંથી.
સ્વર્ગનો અગ્નિ તો, ત્યાં જ,
મહેલોમાં પ્રતિબિંબાઈને ઠરી જાય.
મારી જ તરસ સીંચે વાદળાંઓને.
પણ, આજે મારા ભીની રેતીના કિલ્લામાં
દીવાઓ ટમટમ્યા, એક પછી એક
કાંગરીઓ ખરવા માંડી,
પોપટની ડોક મરડાઈ ગઈ,
હું દોડવા માંડી, ભોંય માર્ગેથી.
બહાર નીકળી તો સામે, અડધી પડધી કેડીઓ વચ્ચે
દેખાયું એક ડોશીમાનું ઘર !
સાફ-સુથરું, એક બકરી ને થોડીક મરધીઓ.
હું ત્યાં જ રહી ગઈ.
ડોશીમાના નહાવા માટે પાણી ગરમ મૂક્યું,
ને લેપ માટે જડીબુટ્ટીઓ શોધવા નીકળી,
ત્યારે સૂરજ યાદ આવ્યો હતો.
પણ હવે હું એને શોધવા નથી જતી.


0 comments


Leave comment