3.6 - રાણી રૂપમતી / મનીષા જોષી


પૂર આવે ત્યારે નદી આખી અસ્તવ્યસ્ત થઈ જાય છે.
વંટોળની જેમ ધૂમરાય છે.
અને તળિયે છૂપાયેલું ઘણુંબધું ઉપર આવી જાય છે.
ગામલોકોની બધી જ અમાનત એણે પાછી આપવી પડે છે.
અને પૂર ઓસર્યા પછી નાનકડી ચોરબાળકી જેવી
ચૂપચાપ ઊભી રહે છે.
સાલ્લી ચોર! એક થપ્પડ મારું છું હું એને.
રીસાઈ જાય છે એ.
સીતામાતાની જેમ ધરતીમાં સમાવા જઈ રહી છે.
છો ને જતી!
આ માછલી, કાચબા બધાં કેટલાં ખુશ છે.
તારાથી મુક્ત થયાં.
હવે એમને શ્વાસ લેવા માટે તારી પાસે નહીં આવવું પડે.
ગામની બધી જ સ્ત્રીઓનું રૂપ ચોરી લઈને
તું એક રાણી રૂપમતી બનવા માગતી હતી.
તારું એ ખળખળ હસવું!
કેટલાંયે જંગલી પ્રાણીઓને હવસખોર બનાવતું હતું.
તારા કિનારાઓએ, આ ગામની લક્ષ્મી
ને પેલા ગામના લાખિયાને
કયારેય પરણવા જ ન દીધાં.
આજે તારા આ ચોગાનમાં મોટો ઉત્સવ છે.
ખુલ્લી હવામાં શ્વાસ લેતાં જળચરો બધાં
મનુષ્યો સાથે નાચી રહ્યાં છે.
હે નદી! તારો અંત આવી ગયો!


0 comments


Leave comment