3.12 - રોગિષ્ઠ કૂતરી / મનીષા જોષી


આ હડકાયો કૂતરો,
શેરીમાં ચાલતાં લોકોને ચોર સમજે છે.
અને પછી બિચારા લોકો પણ મનમાં ઊંડે ઊંડે ગભરાય છે.
કૂતરાની પીઠ પર એવી લાઠીઓ મારે છે.
કે ચામડી પર સોળ ઊઠી આવે છે.
અને એ કૂતરાને મનોમન ચાહતી
પેલી રોગિષ્ઠ કૂતરીયે દુઃખી થઈ જાય છે.
ચંદ્ર એની સોળ કળાએ ખીલી ઊઠે છે
અને કૂતરો વધારે ને વધારે જોરથી ભસતો રહે છે.
મને થાય છે,
રોટલાના વાસી ટુકડા જેવો આ ચંદ્ર,
ઉપર લટકી રહ્યો છે તે કેમ પડી નથી જતો
આ નીચે ભસતા કૂતરાના મોઢામાં.
એના શિકારી દાંત વડે કૂતરો ચંદ્રને ચાવી જાય.
અને એનું ગાંડપણ દૂર થઈ જાય.
થોડા વધેલા ચંદ્રમાંથી એક બટકું
પેલી કૂતરીને પણ આપી દઉં,
અને એ સુંદર થઈ જાય.


0 comments


Leave comment