3.14 - મણિ / મનીષા જોષી


લઈ લેવો જોઈએ મણિ
આ નાગના માથેથી.
કેવો ઘૂસી જાય છે
મણિના અજવાળે, અજવાળે
થડની અંદર,
ને ખાઈ જાય છે, લબકારા મારતો
કવિઓના કેટલાય અણમોલ ને અપ્રાપ્ય શબ્દો.
ગળી જાય છે, બખોલોમાં રહેતાં
પક્ષીઓનાં બચ્ચાં પણ.
જીવતો ન રહેવા દેવાય આ નાગને હવે.
પણ એમ કેમ એના પર લાઠી ઝીંકી દેવાય?
એના પેટમાં બચ્ચાંઓ હવે
પેલા શબ્દોને બોલતાં શીખી રહ્યાં છે.
એ પોતે જ ગાંડો થઈ જશે.
નહીં કાંઈ ઓકી શકે
કે નહીં ચાલી શકે
પોતાની સ્થૂળકાયા લઈને.


0 comments


Leave comment