3.16 - રંગ / મનીષા જોષી


લીલાછમ ઘાસના મેદાનમાં રહેતા
આ તીડનો રંગ પણ લીલો છે.
એના દુશ્મનો કયારેય એને
આ ઘાસની વચ્ચે શોધી નથી શકતા.
આખો દિવસ એ મેદાન પર લહેરાતા
પવન સાથે ઊડતું રહે છે અને પછી રાત્રે
લીલા અંધકારમાં, ભીના અડાબીડ ઘાસમાં
ઘેરી રંગ સાતત્યતા નિકટ સૂઈ જાય છે.
વહેલી સવારે ઝાકળનાં ટીપાં એના શરીર પર
અને ઘાસ પર બાઝેલાં હોય છે.
અને સૂરજનાં હરિયાળાં કિરણો
એના પર ચમકતાં હોય છે.
પણ એક દિવસ, આ સૂરજ ગાંડો થઈ ગયો.
ગુસ્સામાં એવી તો અગનજ્વાળાઓ વરસાવી
કે બધું જ ઘાસ સૂકાઈને પીળું થઈ ગયું.
બિચારું તીડ હવે એક અજાણ્યાની જેમ
ગરમ રેતીની ડમરીઓમાં અટવાયેલું, રઘવાયા કરે છે.
એના નાજુક, પાતળા પગ
આ બળબળતી જમીન પર ક્યાંય રોકાતા નથી.
એ શોધી રહ્યું છે પોતાના લીલા રંગને.


0 comments


Leave comment