33 - પાપનાં ને પુણ્યનાં શું કામ આ કલ્પાંત છે ? / ચિનુ મોદી


પાપનાં ને પુણ્યનાં શું કામ આ કલ્પાંત છે ?
સ્વર્ગની ને નર્કની સરખી સજા દેહાંત છે.

પર્ણને પિંજર ગણી ઊડી જનારી સારિકા
કેમ નક્કી થાય કે એ ભ્રાંત છે, નિર્ભ્રાંત છે ?

કાચના ઘરમાં ઉઘાડેછોગ રહેવાથી મને
વેદના એવી મળી કે વાણી આમરણાંત છે,

મૂઢ છું કે સ્વસ્થ છે; પણ, છે હકીકત સો ટકા,
પથ્થરો પડતાં છતાં પાણી બરાબર શાંત છે.

ગુપ્તચર છે એટલે એ કેમ આપે બાતમી ?
આપણા પણ શ્વાસનો ‘ઈર્શાદ’ આ સિદ્ધાંત છે.

લાખ જણ લખતા, જીવીને કેટલા લખતા ગઝલ ?
આપણી પાસે ફક્ત ‘ઇર્શાદ’નું દ્રષ્ટાંત છે !


0 comments


Leave comment